રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ૧૨૮૧૩ હાવડા ટાટાનગર સ્ટીલ એક્સપ્રેસ પર પથ્થરમારો કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી. દક્ષિણ પૂર્વીય રેલ્વે (SER) ના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. આ ઘટના રાત્રે ૯.૨૦ વાગ્યે SERના ખડગપુર ડિવિઝનના ગાલુડીહ-રાખામિનેસ સેક્શનના ઘાટસિલા સ્ટેશન પર બની હતી.
આ કેસની તપાસ કરતી વખતે, RPF એ બે લોકોની ધરપકડ કરી. આરોપીઓની ઉંમર ૧૯ અને ૨૪ વર્ષની છે. બંને ઝારખંડના પૂર્વ સિંહભૂમના રહેવાસી છે. બંને ચૈબાસાની કોર્ટમાં કેસનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

જલગાંવ ટ્રેન અકસ્માત કેવી રીતે થયો?
બુધવારે સાંજે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા. ગભરાયેલા મુસાફરો ટ્રેનમાંથી કૂદવા લાગ્યા. આ સમય દરમિયાન, પાટા પર ઉતરેલા કેટલાક મુસાફરો નજીકના પાટા પર વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ ગયા. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 મુસાફરોના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ૧૨૫૩૩ લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો આગના ડરથી ઉતાવળમાં બાજુના પાટા પર કૂદી પડ્યા અને બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાઈ ગયા.
રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે એ વાતનો ઇનકાર કર્યો હતો કે કોચમાં કોઈ તણખા કે આગ લાગવાથી મુસાફરોએ એલાર્મ વગાડ્યો હતો. તેમણે કહ્યું કે અમને મળેલી માહિતી મુજબ, કોચમાં કોઈ તણખા કે આગ દેખાઈ નથી. દરમિયાન, સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસથી એક વીડિયો સંદેશમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરોએ ભૂલથી માની લીધું કે ટ્રેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને તેઓ કૂદી પડ્યા. કમનસીબે તેને બીજી ટ્રેને ટક્કર મારી. તેમણે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. સેન્ટ્રલ સર્કલના રેલ્વે સેફ્ટી કમિશનર અકસ્માતના કારણોની તપાસ કરશે.

