પાકિસ્તાનના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક મંદી અને કમરતોડ મોંઘવારીથી પીડિત છે. શાહબાઝ શરીફની સરકારની હાલત ખરાબ છે અને તેણે વિવિધ દેશો પાસેથી મદદ માંગી છે. આ દરમિયાન એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે પાકિસ્તાન ચીનનું સૌથી મોટું દેવાદાર બની ગયું છે. ચીને હાલમાં પાકિસ્તાનને લગભગ 29 અબજ ડોલરની લોન આપી છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર, 24 કરોડની વસ્તી ધરાવતું પાકિસ્તાન પણ આ વર્ષે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન લેનારા ટોચના 3 દેશોમાં સામેલ છે.

મંગળવારે વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ડેટ રિપોર્ટ 2024 જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ચીન પાસેથી સૌથી વધુ લોન લીધી છે. કુલ ઋણમાં ચીનનો હિસ્સો 22 ટકા છે. જો કે ગયા વર્ષે આ આંકડો 25 ટકા હતો. આ સિવાય પાકિસ્તાને વિશ્વ બેંક પાસેથી 23 અબજ ડોલરની લોન લીધી છે જે કુલ લોનના લગભગ 18 ટકા છે. જ્યારે કુલ લોનમાં એશિયન ડેવલપમેન્ટ બેંકનો હિસ્સો 15 ટકા છે.
અન્ય દેશોની વાત કરીએ તો સાઉદી અરેબિયા પાકિસ્તાનને કુલ લોનના 7 ટકા એટલે કે લગભગ 9.16 અબજ ડોલરની લોન આપનારો બીજો સૌથી મોટો દેશ હતો. ગયા વર્ષે કુલ દેવામાં સાઉદી અરેબિયાનો હિસ્સો માત્ર 2 ટકા હતો. વર્લ્ડ બેંકે અહેવાલ આપ્યો છે કે 2023માં પાકિસ્તાનનું કુલ બાહ્ય દેવું (IMF સહિત) $130.85 બિલિયન હતું, જે તેની કુલ નિકાસના 352 ટકા અને ગ્રોસ નેશનલ ઈન્કમ (GNI)ના 39 ટકા છે. પાકિસ્તાનનું કુલ દેવું GNIના 5 ટકા છે.

અગાઉ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના નાણા રાજ્ય મંત્રી અલી પરવેઝ મલિકે નેશનલ એસેમ્બલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે પાકિસ્તાન આગામી ચાર વર્ષમાં 100 અબજ ડોલરનું દેવું ચૂકવવામાં પડકારોનો સામનો કરી રહ્યું છે. આ રકમ પાકિસ્તાનના વર્તમાન વિદેશી મુદ્રા ભંડાર $9.4 બિલિયન કરતાં લગભગ 10 ગણી વધારે છે. દરમિયાન, પાકિસ્તાન સરકારે સોમવારે સ્વીકાર્યું કે તે IMFની શરતોને લાગુ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. જો કે, સરકારે કહ્યું છે કે $7 બિલિયન પેકેજ માટે આ શરતોને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

