કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ભારતના પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેકનો છે. હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં ભારત માટે આ એક મોટું પગલું સાબિત થઈ શકે છે. 410 મીટર લાંબો હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક IIT મદ્રાસના કેમ્પસમાં બનાવવામાં આવ્યો છે.
IIT મદ્રાસ કેમ્પસમાં આયોજિત ટેસ્ટ
આ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક ભારતીય રેલ્વે, IIT મદ્રાસની આવિષ્કાર હાઇપરલૂપ ટીમ અને IIT મદ્રાસના સ્ટાર્ટઅપ TuTr Hyperloopનો સંયુક્ત પ્રોજેક્ટ છે. હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેકનો વીડિયો શેર કરતી વખતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું, ‘ભારતનો પહેલો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક’. થ્યુર ખાતે IIT મદ્રાસના ડિસ્કવરી કેમ્પસમાં આ ટેસ્ટ ટ્રેક 410 મીટર લાંબો છે. આ ટેસ્ટ ટ્રેક પર ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. હવે હાઈપરલૂપનું પરીક્ષણ લાંબા ટ્રેક પર 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે.
જાહેરાત

હાઇપરલૂપ ટ્રેન ટેકનોલોજી શું છે?
હાઇપરલૂપ એક હાઇ-સ્પીડ ટ્રેન છે જે ટ્યુબમાં વેક્યૂમમાં ચાલે છે. આ ટેકનોલોજી એલોન મસ્ક દ્વારા પ્રસ્તાવિત છે. હાઇપરલૂપ ટ્રેનની મહત્તમ સ્પીડ એક હજાર કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. આ જ કારણ છે કે જો બધુ બરાબર થઈ જાય અને ભારતમાં હાઈપરલૂપ ટ્રેનો શરૂ કરવામાં આવે તો તે દેશના સમગ્ર પરિવહન માળખાને બદલી નાખશે. જો કે, આ ટેક્નોલોજી હજુ નવી છે અને તેમાં ઘણું કરવાનું બાકી છે. હાલમાં આ ટેક્નોલોજીની આર્થિક શક્યતાનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

