કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મંગળવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે દિલ્હી કેપિટલ્સે આઠ વિકેટથી જીત મેળવી હતી. આ વિકેટકીપર-બેટ્સમેને આ સિદ્ધિ હાંસલ કરી. રાહુલે ૧૩૦ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી, જેમાં ડેવિડ વોર્નર (૧૩૫), વિરાટ કોહલી (૧૫૭), એબી ડી વિલિયર્સ (૧૬૧) અને શિખર ધવન (૧૬૮) ને પાછળ છોડી દીધા.
IPL 2024 માં (લખનૌ સુપર જાયન્ટ્સ) ની કેપ્ટનશીપ કરી ચૂકેલો રાહુલ આ વર્ષે દિલ્હી કેપિટલ્સ માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. ગયા વર્ષે, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સાથે ઉગ્ર દલીલ બાદ રાહુલને ફ્રેન્ચાઇઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. રાહુલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 42 બોલમાં 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.
તેણે એડન માર્કરામ, દિગ્વેશ રાઠી અને રવિ બિશ્નોઈના સ્પિન આક્રમણ સામે સાવધાનીપૂર્વક બેટિંગ કરી. જોકે, વચ્ચે તે પોતાના શોટ્સ રમવાનું ચાલુ રાખતો રહ્યો.
રાહુલે ૪૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી અને અક્ષર પટેલ સાથે મળીને લખનૌના બોલરોને વાપસી કરવાની તક આપી નહીં. તેણે પ્રિન્સ યાદવના બોલ પર સિક્સર ફટકારીને મેચ જીતી લીધી.
રાહુલ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે, તાજેતરમાં જ તે IPLમાં 200 સિક્સર ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બન્યો છે અને વેસ્ટ ઈન્ડિઝના મોટા હિટર ક્રિસ ગેલ અને આન્દ્રે રસેલ પછી ત્રીજા ક્રમે છે.
રાહુલ આ સિઝનમાં દિલ્હી માટે શાનદાર ફોર્મમાં છે અને આ પ્રસંગે તેણે સારું પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં તેમનો સ્ટ્રાઇક રેટ ૧૫૫.૬૭ રહ્યો છે જે લીગમાં તેમની ૧૨ સિઝનમાં બીજા ક્રમનો સૌથી વધુ સ્ટ્રાઇક રેટ છે.
૩૩ વર્ષીય ખેલાડીએ આઠ ઇનિંગ્સમાં ૩૫૯ રન બનાવ્યા છે અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતું, જ્યારે તેમણે અણનમ 93 રન બનાવ્યા અને તેમની ટીમને છ વિકેટથી વિજય અપાવ્યો. રાહુલ અંગત કારણોસર દિલ્હી કેપિટલ્સ માટે પોતાની પહેલી મેચ રમી શક્યો નહીં.
