તમે પહેલા કોઈ વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ માટે કંઈ પણ કરે છે તેવા કિસ્સાઓ સાંભળ્યા હશે. જોકે, એક અમેરિકન વ્યક્તિએ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ માટે કંઈક એવું કર્યું છે જે તમને પણ આશ્ચર્યચકિત કરશે. આ માણસને કોઈ છોકરો તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે વાત કરે તે ગમતું નહોતું. ત્યારબાદ તેણે એક હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું અને છોકરાના ઘરને આગ લગાવી દીધી. માહિતી અનુસાર, તે સમયે ઘરમાં ઓછામાં ઓછા છ લોકો હતા, જેમને પાછળથી બચાવી લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, આગમાં બે કૂતરાઓના મોત થયા છે. છ ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે મિશિગનના આ વ્યક્તિની હત્યાના પ્રયાસ અને છ અન્ય ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા બેન્સાલેમ પોલીસ વિભાગના નિવેદન અનુસાર, 10 ફેબ્રુઆરીના રોજ સવારે 5 વાગ્યે પેન્સિલવેનિયાના બેન્સાલેમમાં એક ઘરમાં આગ લાગી હોવાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. ઇમરજન્સી ટીમો અને અગ્નિશામક દળો ઘટનાસ્થળે દોડી ગયા અને જોયું કે બે માળનું ઘર સંપૂર્ણપણે આગમાં લપેટાયેલું હતું અને છ લોકો કોઈક રીતે બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદકો મારવો પડ્યો.
પોલીસ તપાસમાં પાછળથી જાણવા મળ્યું કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં, એક માણસ કારમાંથી કંઈક કાઢતો, ઘર તરફ ચાલતો અને લગભગ 15 મિનિટ પછી કારમાં પાછો ફરતો જોવા મળ્યો. શંકાસ્પદ વ્યક્તિ ભાગી ગયાના થોડા સમય પછી ઘરમાં આગ લાગી ગઈ. આ પછી, કારની ઓળખ કરીને, પોલીસે મિશિગનના બ્રાયન જોન્સને શોધી કાઢ્યો. પોલીસને જોન્સના હાથ પર બળી ગયેલા નિશાન પણ મળ્યા. પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ ચાલુ છે.

