અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. ભારતની મુલાકાત લેનારા તેઓ ત્રીજા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. એવું માનવામાં આવે છે કે જીમી કાર્ટરની ભારત મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા હતા. આ સાથે જ જીમી કાર્ટરનો ભારતના એક ગામ સાથે ખાસ સંબંધ છે, આ સંબંધ માત્ર રાજકીય કે રાજદ્વારી નથી પણ તેનાથી ઘણો આગળ વધે છે.
1977 માં કટોકટી પછી, જ્યારે જનતા પાર્ટીની જીત થઈ, ત્યારે તેમણે 2 જાન્યુઆરી 1978 ના રોજ ભારતની મુલાકાત લીધી. આ દરમિયાન તેઓ દિલ્હી નજીકના દોલતપુર નસીરાબાદ ગામની મુલાકાતે ગયા હતા. આ પછી ભારત સાથે તેમનું જોડાણ ગાઢ બન્યું. જ્યારે જીમી કાર્ટર તેની પત્ની રોઝલિન સાથે દૌલતપુર નસીરાબાદ પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

કાર્ટરપુરી નામ કેવી રીતે આવ્યું?
હકીકતમાં, જીમી કાર્ટરની માતા લિલિયન 1960ના દાયકામાં દૌલતપુર નસીરાબાદ ગામમાં આરોગ્ય સ્વયંસેવક તરીકે પીસ કોર્પ્સ સાથે કામ કરતી હતી. આ પછી 1978માં જ્યારે જીમી કાર્ટર ભારત આવ્યા ત્યારે તેમણે આ ગામની મુલાકાત લીધી હતી. આ પછી, આ ગામના લોકોએ કાર્ટરના સન્માનમાં ગામનું નામ બદલીને ‘કાર્ટરપુરી’ કરી દીધું.
કાર્ટરે પાછળથી આ મુલાકાત વિશે કહ્યું કે આ મુલાકાતે ભારત અને અમેરિકા વચ્ચે સ્થાયી ભાગીદારીનો પાયો નાખ્યો, જે પરસ્પર સન્માન અને સહિયારા આદર્શો પર આધારિત હતી. તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક 1978 કેમ્પ ડેવિડ એકોર્ડ હતી, જે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચેનો શાંતિ કરાર હતો.

જીમી કાર્ટર અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા પ્રમુખ હતા. રાષ્ટ્રપતિ જો બિડેને જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે આજે અમેરિકા અને વિશ્વએ એક અસાધારણ નેતા, રાજનેતા અને માનવતાવાદી ગુમાવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કાર્ટર મેલાનોમા નામની બીમારીથી પીડિત હતા. તે એક પ્રકારનું ત્વચા કેન્સર છે અને તે કાર્ટરના લીવર અને મગજમાં ફેલાઈ ગયું હતું.

