સોમવારે સવારે મુંબઈના વિદ્યાવિહાર વિસ્તારમાં ૧૩ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક સુરક્ષા ગાર્ડનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યા વિહાર સ્ટેશનની સામે નૈથાણી રોડ પર સ્થિત તક્ષશિલા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સવારે 4.35 વાગ્યે આગ લાગી હતી.
પહેલા અને બીજા માળને નુકસાન
તેમણે જણાવ્યું હતું કે આગમાં બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલા પાંચ ફ્લેટમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો, ઘરવખરીની વસ્તુઓ, લાકડાનું ફર્નિચર, એસી યુનિટ અને કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. આ સાથે, ઇમારતના પહેલા અને બીજા માળની લોબીમાં લાકડાના દિવાલ ફિટિંગ, ફર્નિચર અને જૂતાના રેક પણ બળી ગયા.

15 થી 20 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા
અધિકારીએ જણાવ્યું કે 15 થી 20 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બે સુરક્ષા ગાર્ડ ઘાયલ થયા હતા અને તેમને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમાંથી એક, ઉદય ગંગન (43) ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે મૃતક 100 ટકા બળી ગયો હતો.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
તેમણે જણાવ્યું કે, બીજો વ્યક્તિ, સભાજીત યાદવ (52), 25 થી 30 ટકા બળી ગયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે તે ‘લેવલ-ટુ’ આગ હતી અને સવારે 7.33 વાગ્યા સુધીમાં તેને કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

