એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025 ની 61મી મેચમાં અભિષેક શર્મા અને દિગ્વેશ સિંહ રાઠી વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. બંને ખેલાડીઓ ખૂબ આક્રમક હતા અને જો અમ્પાયર અને અન્ય સાથી ખેલાડીઓએ તેમને રોક્યા ન હોત તો મામલો વધુ આગળ વધી શક્યો હોત. 8મી ઓવરના ત્રીજા બોલ પર અભિષેક શર્માને આઉટ કર્યા પછી દિગ્વેશ સિંહે પોતાની નોટબુક સાથે ઉજવણી કરી ત્યારે આ ઝઘડો થયો. હવે BCCI એ આ માટે બંને ખેલાડીઓને સજા કરી છે. દિગ્વેશને એવી સજા આપવામાં આવી છે જે આ સિઝનમાં અત્યાર સુધી કોઈ પણ ખેલાડીને આપવામાં આવી નથી.
IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સોમવારે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લખનૌ સુપર જાયન્ટ્સના બોલર દિગ્વેશ સિંહને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.”
IPL 2025 માં કલમ 2.5 હેઠળ દિગ્વેશ સિંહ રાઠીનો આ ત્રીજો લેવલ 1 ગુનો હતો અને તેથી, તેને 2 ડિમેરિટ પોઈન્ટ મળ્યા. આ ઉપરાંત, તેણે અગાઉ 3 ડિમેરિટ પોઈન્ટ મેળવ્યા હતા. ૦૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ પંજાબ કિંગ્સ સામે એક ડિમેરિટ પોઈન્ટ અને ૦૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે બે ડિમેરિટ પોઈન્ટ.

દિગ્વેશ સિંહ પર 1 મેચનો પ્રતિબંધ
હવે આ સિઝનમાં તેના ખાતામાં 5 ડિમેરિટ પોઈન્ટ છે તેથી તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. દિગ્વેશ હવે લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચમાં રમી શકશે નહીં. LSGનો આગામી મુકાબલો 22 મે, 2025ના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે છે.
અભિષેક શર્માને પણ દંડ ફટકારવામાં આવ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્માને પણ IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં કલમ 2.6 હેઠળ અભિષેકનો આ પહેલો લેવલ 1 ગુનો હતો અને તેથી, તેને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે. લેવલ ૧ ની આચારસંહિતા ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

