મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાયેલી રોમાંચક બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના નવા ખેલાડી સેમ કોન્સ્ટન્સ વચ્ચે ખભાથી ખભાની અથડામણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જગાવી હતી. જે બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિરાટ કોહલી પર દંડ પણ લગાવ્યો હતો. પરંતુ આ પછી પણ આ વિવાદ પર અનેક અભિપ્રાયો સામે આવી રહ્યા છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્કે પણ આ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
માઈકલ ક્લાર્કે શું કહ્યું?
વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટેન્ટ્સ વિવાદ પર બોલતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કોહલીનું સમર્થન કર્યું હતું. ક્લાર્કે કહ્યું, “વિરાટ કોહલી હંમેશા તેની ટીમ માટે ઉભો રહે છે. તે એક લડાયક ખેલાડી છે, જે ક્યારેય પીછેહઠ કરતો નથી. મને લાગે છે કે બુમરાહ જેવા દિગ્ગજ બોલર માટે સન્માનની અછત તેને પરેશાન કરે છે.”

તેણે એમ પણ કહ્યું, “વિરાટને ગેરસમજ થઈ રહી છે. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. મને ખાતરી છે કે તેણે મેચ પછી સેમ સાથે વાત કરી હશે. તેનો ઈરાદો ક્યારેય ખોટો હોતો નથી.”
શું છે સમગ્ર મામલો?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં સેમ કોન્સ્ટન્સે પોતાની ડેબ્યૂ મેચમાં જ નિર્ભય પ્રદર્શન કર્યું હતું. તેણે ભારતીય બોલર જસપ્રિત બુમરાહ સામે રેમ્પ શોટ રમીને સિક્સર ફટકારી, જેને જોઈને ભારતીય કેમ્પ આશ્ચર્યચકિત થઈ ગયો. જો કે, મેચની 10મી ઓવર દરમિયાન કોહલી અને કોન્સ્ટન્સના ખભા અથડાતા વિવાદ શરૂ થયો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજાએ બંને વચ્ચેની જોરદાર દલીલને શાંત પાડી હતી.

ડેબ્યૂ મેચમાં કોન્ટાસનું પ્રદર્શન
સેમ કોન્સ્ટન્સે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચ ભારત સામે રમી હતી. તેનું ડેબ્યૂ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થયું હતું. તેણે ભારત સામેની પ્રથમ ઈનિંગમાં 92.30ના સ્ટ્રાઈક રેટથી 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. પરંતુ જસપ્રિત બુમરાહે બીજા દાવમાં કોન્સ્ટન્સને છોડ્યો ન હતો. બીજા દાવમાં કોન્સ્ટન્સ 18 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો.

