22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક પગલાં લઈ રહી છે. આ અંતર્ગત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સંબંધિત તમામ વિઝા રદ કરવાના નિર્દેશો જારી કર્યા છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમને તેમના રાજ્યોમાંથી પાકિસ્તાની લોકોને પાછા મોકલવા કહ્યું હતું. ગૃહ મંત્રાલયની સૂચના બાદ, ગુજરાત સરકાર દ્વારા આ અંગે કામ શરૂ કરવામાં આવ્યું છે.
૪૩૮ પાકિસ્તાનીઓની યાદી
ગુજરાત સરકારે રાજ્યમાં રહેતા 438 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે તેમને પાકિસ્તાન પાછા મોકલવાની યોજના પણ બનાવી છે. માહિતી અનુસાર, ગુજરાતમાં 438 પાકિસ્તાની નાગરિકો લાંબા ગાળાના વિઝા પર છે. આમાંથી અમદાવાદમાં 77, કચ્છમાં 50, સુરતમાં 44 અને રાજધાની ગાંધીનગરમાં 29 પાકિસ્તાની નાગરિકો છે. આ ઉપરાંત, 7 પાકિસ્તાની નાગરિકો ટૂંકા ગાળાના વિઝા પર ગુજરાતમાં રહી રહ્યા છે. અમદાવાદમાં, ટૂંકા ગાળાના વિઝા પર સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો છે. બાકીના 2 માંથી એક પાકિસ્તાની ભરૂચમાં અને એક પાકિસ્તાની વડોદરામાં છે.

૧ પાકિસ્તાન મોકલવામાં આવ્યો
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ તમામ પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે ગૃહ વિભાગે બધાને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ભરૂચમાં ટૂંકા ગાળાના વિઝા પર રહેતી ૭૧ વર્ષીય શાહિદા બીબીને ગુજરાત સરકારે પાકિસ્તાન પરત મોકલી દીધી છે.

