વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર રવિવારે નાઈજીરીયા પહોંચ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ દેશોની મુલાકાત લેશે અને પહેલા તબક્કામાં તેઓ નાઈજીરિયા પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે 17 વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે. મોડી રાત્રે વિદેશ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાના અબુજા પહોંચ્યા છે. ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાયસોમ એઝેનવો વાઇકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે પીએમ મોદીને અબુજા શહેરની ચાવીઓ પણ સોંપી. આ ચાવી નાઈજીરિયાના લોકો દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલા વિશ્વાસ અને સન્માનનું પ્રતિક છે.
આ સાથે વિદેશ મંત્રાલયે દેશમાં વડાપ્રધાનના સ્વાગતની તસવીરો પણ શેર કરી છે. પીએમ મોદીએ પોતે ટીનુબુ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપ્યો જેમાં નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ ભારતીય વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉત્સુક છે. ટીનુબુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “અમારી દ્વિપક્ષીય ચર્ચાનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તારવાનો અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો રહેશે. વડાપ્રધાન મોદી, નાઈજીરિયામાં આપનું સ્વાગત છે.”

નાઈજીરિયાના રાષ્ટ્રપતિની આ પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ પોતાના આગમન પર પ્લેનમાંથી ઉતરીને એરપોર્ટ પર એકઠા થયેલા મહાનુભાવો અને લોકોનું અભિવાદન કરતી તસવીરો શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, “આભાર, રાષ્ટ્રપતિ ટીનુબુ. હું હમણાં જ થોડા સમય પહેલા નાઈજીરિયા આવ્યો છું. હું ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું. હું ઈચ્છું છું કે આ મુલાકાત આપણા દેશો વચ્ચેની દ્વિપક્ષીય મિત્રતાને વધુ મજબૂત કરશે.”
તમને જણાવી દઈએ કે પીએમ મોદીની પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રની આ પ્રથમ મુલાકાત છે. તેઓ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે છે. PM મોદી નાઈજીરિયાથી બ્રાઝિલ જશે. પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું ભારતીય સમુદાય અને નાઈજીરિયાના મિત્રોને મળવા માટે પણ ઉત્સુક છું, જેમણે મને હિન્દીમાં હાર્દિક સ્વાગત સંદેશો મોકલ્યો છે.” પીએમ મોદીએ એમ પણ કહ્યું કે “લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની આ એક તક હશે.”
તેઓ ટ્રોઇકા સભ્ય તરીકે બ્રાઝિલમાં 19મી જી20 સમિટમાં પણ હાજરી આપશે. આ સિવાય પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સાથે 18 અને 19 નવેમ્બરે રિયો ડી જાનેરોમાં આયોજિત સમિટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે G20 ટ્રોઈકાનો ભાગ છે.
તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં પીએમ મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર 19 થી 21 નવેમ્બર સુધી ગયાના જશે. 50થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે.

