Imran Khan: છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનની અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સતત ચર્ચામાં છે. પરંતુ આ વખતે ચર્ચા તેમને જેલની અંદર મળતી અદભૂત સુવિધાઓની છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં આની જાણકારી આપી.
સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે જેલમાં ઈમરાન શાનની સેલમાં ટીવી, કુલર, જિમના સાધનો અને અન્ય સુવિધાઓ આપવામાં આવી છે. આ સાથે તેમને અલગ કિચનની સુવિધા પણ આપવામાં આવી છે. ઈમરાનના સેલની બાજુમાં વોકિંગ એરિયા પણ છે, જ્યાં તે ચાલી શકે છે.
તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન (71) ગયા વર્ષે સપ્ટેમ્બરથી રાવલપિંડીની હાઈ સિક્યોરિટી અદિયાલા જેલમાં બંધ છે. તેને એટોક જેલમાંથી અહીં ખસેડવામાં આવ્યો હતો. તે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં સજા કાપી રહ્યો છે.

આ પહેલા 30 મેના રોજ ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તે જેલમાં એકાંત કેદમાં જીવી રહ્યો છે. સરકારે તેના પર નિયંત્રણો લાદી દીધા છે જેથી તે પોતાના વકીલો કે પરિવારના સભ્યોને મળી ન શકે.
પરંતુ સરકારે કોર્ટ સમક્ષ ખાનના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને તેમને જેલમાં પૂરી પાડવામાં આવતી સુવિધાઓની સંપૂર્ણ યાદી આપી છે. આ યાદીની સાથે ઈમરાન ખાનની તસવીરો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જ્યાં તે જેલની અંદરની સુવિધાઓનો લાભ લઈ રહ્યો છે અને તેની કાનૂની ટીમ સાથે મુલાકાત કરી રહ્યો છે.
સરકારે કહ્યું છે કે ઇમરા ખાન તેના સેલની બાજુમાં આવેલા વૉકિંગ એરિયામાં પણ ફરે છે. તેના રૂમમાં કુલર અને ટીવી છે. રસોડાની અલગ સુવિધા છે, પુસ્તકો આપવામાં આવે છે અને વાંચવા માટે સ્ટડી ટેબલ પણ આપવામાં આવે છે. ઉપરાંત તેમને જીમના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાન જેલમાં કોની સાથે મળ્યા છે તેની યાદી પણ સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરી છે.
શું છે તોશાખાના કેસ?
ઈમરાન 2018થી 2022ના કાર્યકાળ દરમિયાન પોતાના પદનો દુરુપયોગ કરવા બદલ દોષી છે. તેના પર વિદેશ પ્રવાસ દરમિયાન મળેલી સરકારી ભેટ સસ્તા ભાવે ખરીદવાનો અને મોટા નફામાં વેચવાનો આરોપ છે. આ ભેટોની કિંમત 140 મિલિયન રૂપિયા (635,000 યુએસ ડોલર) કરતાં વધુ હતી.


ઈમરાન ખાને કહ્યું હતું કે, એક દેશના રાષ્ટ્રપતિએ મારા ઘરે ગિફ્ટ મોકલી હતી, જે મેં તોશાખાનામાં જમા કરાવી હતી. મેં આ ભેટો તેમની મૂળ કિંમતના 50 ટકા પર ખરીદી છે. ઈમરાન ખાને વડાપ્રધાન તરીકેના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વિશ્વભરના ઘણા નેતાઓ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 58 ભેટો મેળવી હતી. તેણે આવકવેરા રિટર્નમાં આ ભેટોના વેચાણની વિગતો રજૂ કરી ન હતી.
પાકિસ્તાનમાં તોશાખાના એ એક સરકારી વિભાગ છે જ્યાં અન્ય સરકારોના વડાઓ અને વિદેશી હસ્તીઓ દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. આ ભેટો એકત્રિત કરવામાં આવે છે અને તેનો હિસાબ કરવામાં આવે છે.


