જુબા (દક્ષિણ સુદાન): દક્ષિણ સુદાનમાં સૂર્ય આગના અંગારા ફેલાવી રહ્યો છે. ગરમીને કારણે ઘણા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હોવાના બનાવો બન્યા છે. આ પછી, ગુરુવારે સરકારી આદેશ પર બધી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. શાળાએ જતા બાળકો ગરમીથી પીડાઈ રહ્યા છે અને ગરમીના કારણે મૃત્યુ થવાની શક્યતા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે હવામાન પરિવર્તનને કારણે, દક્ષિણ સુદાનને વરસાદની ઋતુ દરમિયાન પૂર અને અન્ય જટિલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં ગરમીને કારણે દેશમાં શાળાઓ બંધ રાખવાની આ બીજી ઘટના છે. “જુબા શહેરમાં દરરોજ સરેરાશ 12 વિદ્યાર્થીઓ બેભાન થઈ રહ્યા છે,” દેશના નાયબ શિક્ષણ પ્રધાન માર્ટિન ટાકો મોઈએ જણાવ્યું. દક્ષિણ સુદાનમાં મોટાભાગની શાળાઓ લોખંડના પતરાંથી બનેલા કામચલાઉ માળખાં છે અને તેમાં વીજળી નથી.
દક્ષિણ સુદાનના પર્યાવરણ મંત્રી જોસેફાઈન નેપવોન કોસ્મોસે લોકોને ઘરની અંદર રહેવા અને પાણી પીવાનું ચાલુ રાખવા વિનંતી કરી કારણ કે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની ધારણા છે. આના કારણે ગરમીની તીવ્રતા વધુ વધી શકે છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જો કોઈ તાત્કાલિક કામ હોય તો જ તડકામાં બહાર નીકળો. શિક્ષણવિદોએ સરકારને વિનંતી કરી છે કે તેઓ શાળા કેલેન્ડરમાં સુધારો કરવા વિચારે જેથી શાળાઓ ફેબ્રુઆરીમાં બંધ રહે અને એપ્રિલમાં તાપમાન ઘટે ત્યારે ફરી ખુલે.

