અમેરિકા દ્વારા ભારતીય માલ પર ૫૦ ટકા સુધીનો ટેરિફ વધારવાના નિર્ણય બાદ બંને દેશો વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના મંત્રીમંડળ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. કેબિનેટની બેઠકમાં અમેરિકાના પગલા સામે ભારતના વ્યૂહાત્મક પ્રતિભાવ અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.
ટ્રમ્પે કરી આ જાહેરાત
ભારત સામેના નવા યુએસ ટેરિફમાં 25 ટકાનો વધારાનો સમાવેશ થાય છે. આ જાહેરાત બુધવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. ટ્રમ્પે આનું મુખ્ય કારણ ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની સતત આયાતને ગણાવી છે. આ 20 જુલાઈથી અમલમાં આવેલા અગાઉના 25 ટકા ટેરિફ ઉપરાંત છે. આ રીતે, યુએસએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો
અમેરિકાના આ પગલા પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, વિદેશ મંત્રાલયે આ નિર્ણયને અયોગ્ય અને ગેરવાજબી ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની ઉર્જા જરૂરિયાતો અને વ્યૂહાત્મક સ્વાયત્તતાનું સન્માન કરવું જોઈએ.

નવા ટેરિફ લાગુ થયા પછી પીએમ મોદીનું નિવેદન
નવા ટેરિફ લાગુ થયા પછી તરત જ એક જાહેર નિવેદનમાં, વડા પ્રધાન મોદીએ ભારતના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને તેમની સરકારના અતૂટ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. ગુરુવારે દિલ્હીમાં એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા, વડા પ્રધાન મોદીએ કહ્યું, “ખેડૂતોનું કલ્યાણ અમારી ટોચની પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. અને હું જાણું છું કે મને વ્યક્તિગત રીતે આ માટે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તૈયાર છું. ભારત દેશના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના કલ્યાણ માટે તૈયાર છે.”
ટ્રમ્પે ભારત સાથે વાતચીતની શક્યતા નકારી કાઢી
ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત સાથે ટેરિફ પર વાતચીતની શક્યતાને નકારી કાઢી હતી. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે શું તેઓ 27 ઓગસ્ટથી અમલમાં આવનાર 50 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી વધુ વાતચીતની અપેક્ષા રાખે છે, ત્યારે તેમણે કહ્યું, “ના, જ્યાં સુધી અમે આ મુદ્દાનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી નહીં.”

