આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તિરુમાલા મંદિરમાં ફક્ત હિન્દુઓને જ નોકરી આપવામાં આવશે.અન્ય સમુદાયના લોકોને તિરુમાલા મંદિરથી અન્ય સ્થળોએ ખસેડવામાં આવશે. તેમણે દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વેંકટેશ્વર સ્વામી મંદિરો બનાવવાની યોજનાની પણ જાહેરાત કરી.
નાયડુએ કહ્યું કે, ભગવાન વેંકટેશ્વરની સંપત્તિના રક્ષણ માટે એક પવિત્ર દોરો બાંધવામાં આવ્યો છે. વિદેશમાં રહેતા હિન્દુઓ પણ ઇચ્છે છે કે ભગવાન વેંકટેશ્વરના મંદિરો ત્યાં બને, તેથી વિશ્વભરમાં જ્યાં પણ હિન્દુ સમુદાય મોટી સંખ્યામાં હશે ત્યાં વેંકટેશ્વર મંદિરો સ્થાપિત કરવામાં આવશે. સેવન હિલ્સ વિસ્તારની નજીક વાણિજ્યિક પ્રવૃત્તિઓ અંગે, નાયડુએ કહ્યું કે આ વિસ્તારની બાજુમાં આવેલી મુમતાઝ હોટેલને અગાઉ પરવાનગી આપવામાં આવી હતી. જોકે, સરકારે હવે ૩૫.૩૨ એકર જમીન પર બનનારી આ હોટલની મંજૂરી રદ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે ભાર મૂક્યો કે સેવન હિલ્સ નજીક કોઈ વ્યાપારીકરણ ન થવું જોઈએ. તે જ સમયે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારમાં કોઈપણ ખાનગી વ્યક્તિને વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે 2003 માં તેમના પર થયેલા ખૂની હુમલામાં તેઓ ભગવાન વેંકટેશ્વરની કૃપાથી જ બચી ગયા હતા.

