Andhra Pradesh CM : તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશમાં એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચંદ્રબાબુ નાયડુ બુધવારે એટલે કે 12 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. બીજી તરફ સાથી પક્ષ જનસેના વિધાનસભ્ય પક્ષની બેઠક મંગળવારે સવારે મંગલગિરી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં મળી હતી. બેઠકમાં પવન કલ્યાણને જનસેના વિધાન દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
નાયડુના નામને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી
વિજયવાડામાં તેલુગુ દેશમ પાર્ટી, જનસેના અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નાયડુના નામને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. એનડીએની બેઠકમાં આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડી. પુરંદેશ્વરી અને જનસેના પ્રમુખ પવન કલ્યાણ પણ પહોંચ્યા હતા. બંનેએ ચંદ્રાબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું હતું. અગાઉ મંગળવારે સવારે, નાયડુને સર્વસંમતિથી TDP ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહ અહીં યોજાશે
શપથ ગ્રહણ સમારોહ કૃષ્ણા જિલ્લાના કેસરાપલ્લી આઈટી પાર્કમાં યોજાશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી બુધવારે સવારે 10:40 વાગ્યે દિલ્હીથી ગન્નાવરમ એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ટીડીપીને જંગી બહુમતી મળી છે
આંધ્રપ્રદેશ વિધાનસભામાં કુલ 175 સીટો છે. ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ (TDP)ને ચૂંટણીમાં જંગી બહુમતી મળી છે. ટીડીપીએ 135 બેઠકો કબજે કરી હતી. આઠ બેઠકો પર ભાજપ અને 21 બેઠકો પર જનસેનાનો વિજય થયો હતો. શાસક પક્ષ YSRCPને માત્ર 11 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.


