પોલીસે જણાવ્યું હતું કે મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં એક ખાનગી શાળા અને જુનિયર કોલેજના કેમ્પસમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. જે બાદ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. પરંતુ બોમ્બ મળ્યો ન હતો અને સમાચાર ખોટા નીકળ્યા.
એક અધિકારીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે કાંદિવલીની એક શાળાના વહીવટીતંત્રને એક ઇમેઇલ મળ્યો. જેમાં મોકલનાર વ્યક્તિએ અફઝલ ગેંગનો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે પરિસરમાં બોમ્બ છે. આ પછી, સ્થાનિક પોલીસે ડોગ સ્ક્વોડ (BDDS) સાથે મળીને કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સ્કૂલ અને જુનિયર કોલેજમાં બોમ્બ શોધી કાઢવા અને તેને નિષ્ક્રિય કરવા માટે સઘન તપાસ હાથ ધરી હતી. પરંતુ તેમને કંઈપણ શંકાસ્પદ મળ્યું નહીં અને બાદમાં તે મેઇલ ખોટી માહિતી તરીકે જાહેર કરવામાં આવ્યો.

અધિકારીએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ જોગેશ્વરી-ઓશિવારા વિસ્તારની એક શાળામાં આવી જ ઘટના બની હતી. શાળાને પણ આવો જ એક ઈમેલ મળ્યો હતો જેમાં મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે અફઝલ ગેંગના સભ્યોએ શાળાના પરિસરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા. પરંતુ પાછળથી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ સમાચાર ખોટા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું.

