મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં બોમ્બ ધમકી કેસમાં સફળતા મેળવી છે. ઉત્તર પ્રદેશના નોઈડામાંથી અશ્વિન કુમાર સુપ્રા નામના ૫૦ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ બિહારનો રહેવાસી છે અને છેલ્લા ૫ વર્ષથી જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર તરીકે કામ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રાએ નોઈડાથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈ પોલીસને વોટ્સએપ દ્વારા ધમકી મોકલી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર-એ-જેહાદીના ૧૪ આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે અને ૪૦૦ કિલો આરડીએક્સ સાથે મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.
આરોપી કેવી રીતે પકડાયો?
ધમકી મળ્યા બાદ , મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. મુંબઈના જોઈન્ટ કમિશનરે ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનર લક્ષ્મી સિંહનો સંપર્ક કર્યો. આ પછી, જોઈન્ટ સીપી (કાયદો અને વ્યવસ્થા) અને સ્વાટ ટીમને તાત્કાલિક કાર્યવાહી કરવાનું કામ સોંપવામાં આવ્યું. માત્ર 4-5 કલાકમાં, પોલીસે નોઈડાના સેક્ટર 79 માં એક રહેણાંક સોસાયટીમાંથી સુપ્રાની ધરપકડ કરી.

પોલીસે તેનો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ જપ્ત કર્યું જેમાંથી ધમકી મોકલવામાં આવી હતી. ગુરુવારે મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર આ ધમકી આવી, જ્યારે શહેરમાં ગણેશ ઉત્સવના દસમા દિવસે અનંત ચતુર્દશીની તૈયારીઓ ચાલી રહી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 34 વાહનોમાં 400 કિલો RDX મૂકવામાં આવ્યું છે.
આવી ધમકીઓ પહેલા પણ આવી હતી
પોલીસનું કહેવું છે કે આ હેલ્પલાઇન પર અગાઉ પણ આવી ધમકીઓ મળી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. તેમ છતાં, મુંબઈ પોલીસે કોઈ પણ જોખમ લીધા વિના હાઈ એલર્ટ જારી કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. વર્લી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કલમ 351 (ગુનાહિત ધાકધમકી) અને IPCની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને નોઈડાથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં ધમકી પાછળનો વાસ્તવિક હેતુ અને કાવતરું શોધવા માટે તેની પૂછપરછ કરવામાં આવશે.

