Karnataka: કર્ણાટકમાં ફરી એકવાર પાગલ પ્રેમીએ પ્રેમ પ્રસ્તાવ નકાર્યા બાદ મહિલાની ચાકુ મારીને હત્યા કરી નાખી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં હુબલીમાં આ બીજી ઘટના છે. તાજેતરમાં જ હુબલીમાં કોંગ્રેસના કાઉન્સિલરની પુત્રીની પણ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મુદ્દે રાજ્યનું રાજકારણ ગરમાયું હતું અને ભાજપે કોંગ્રેસ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

હુબલીના બેંડીગેરી પોલીસ સ્ટેશન વિસ્તારના વીરપુર ઓની વિસ્તારમાં 23 વર્ષીય વિશ્વા ઉર્ફે ગિરીશ સાવંત દ્વારા અંજલિ અંબીગેરાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ગિરીશ અંજલિનો ઓળખીતો હતો અને બુધવારે સવારે 6 વાગ્યે તે અંજલિના ઘરે પહોંચ્યો હતો. દરવાજો ખખડાવ્યો એટલે અંજલિએ દરવાજો ખોલ્યો. અંજલિએ દરવાજો ખોલતાની સાથે જ ગિરીશે તેણીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક અંજલિએ આરોપી ગિરીશના પ્રેમ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને તેનાથી નારાજ થઈને તેણે અંજલિની હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસની ટીમ આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે.

