જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ આતંકી હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. તપાસ એજન્સીઓએ પૂંચમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બે IED અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધી રહ્યા છે.
પુંછના મેંઢરમાં છજલા પુલ નીચે એક શંકાસ્પદ વસ્તુ જોવા મળી, જેના વિશે લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી. શંકાસ્પદ વસ્તુની માહિતી મળતા જ સુરક્ષા દળોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે તપાસ કરી તો તેમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેનાથી અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સુરક્ષા દળોએ એક કિલોગ્રામથી વધુ શંકાસ્પદ આરડીએક્સ, બે આઈઈડી, એક બેટરી, બે ધાબળા અને કેટલીક ખાદ્ય ચીજો જપ્ત કરી છે. હવે આ વિસ્ફોટક સામગ્રી ક્યાંથી આવી અને અહીં કોણે રાખી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીઓ નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે અને આતંકવાદીઓને શોધી રહી છે.

ગયા મહિને પણ વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પુંછ જિલ્લામાં વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. ગયા મહિને પાકિસ્તાન નિર્મિત AK-47, પિસ્તોલ અને IED માટે વિસ્ફોટકો મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા.

