છત્તીસગઢના રાયપુર જિલ્લા પોલીસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ મેચમાં સટ્ટાબાજી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ માટે મહાદેવ એપ દ્વારા ઓનલાઈન સટ્ટાબાજી ચલાવવાના આરોપમાં બે રાજ્યોમાં દરોડા પાડીને 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાયપુર જિલ્લા પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી આઠ લોકોની અને આસામના ગુવાહાટીમાંથી છ લોકોની ધરપકડ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) પહેલેથી જ છત્તીસગઢમાં મહાદેવ એપ સટ્ટાબાજીના કૌભાંડની તપાસ કરી રહી છે.
છત્તીસગઢના રાયપુર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ 14 લોકોમાંથી છ છત્તીસગઢના, ત્રણ ઝારખંડના, બે મધ્યપ્રદેશના અને પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારના એક-એક લોકો છે. તેમણે કહ્યું કે 13 એપ્રિલે પોલીસે રાયપુરમાં સટ્ટાબાજી ચલાવવાના આરોપમાં નિખિલ વાધવાનીની ધરપકડ કરી હતી. વાધવાણીના નિવેદનના આધારે 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી 67 મોબાઈલ ફોન, આઠ લેપટોપ, ચાર રાઉટર, 94 એટીએમ કાર્ડ, 15 સિમ કાર્ડ, 32 બેંક પાસબુક, ત્રણ બેંક ચેકબુક, એક સુરક્ષા કેમેરા અને સટ્ટાબાજીના વ્યવહારોના રેકોર્ડ જપ્ત કર્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જપ્ત કરાયેલા સામાનની કિંમત 30 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું કે આરોપીઓએ 500 બેંક ખાતા દ્વારા કરોડો રૂપિયાની લેવડદેવડ કરી છે. આ ખાતાઓને ફ્રીઝ કરવા માટે ટૂંક સમયમાં સંબંધિત બેંકોનો સંપર્ક કરવામાં આવશે.
મિશ્રાએ કહ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ મેચ – 2025 ની આ સિઝનમાં અત્યાર સુધીમાં ‘એન્ટી ક્રાઈમ એન્ડ સાયબર યુનિટ’ની ટીમે 17 કેસમાં 41 આરોપીઓની ધરપકડ કરી છે. અધિકારીએ કહ્યું કે 1500 થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરવા માટે સંબંધિત બેંકોને પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે જેના દ્વારા સટ્ટાબાજીના પૈસાની લેવડદેવડ માટે આરોપીઓએ ઉપયોગ કર્યો હતો.
