હૈદરાબાદ એરપોર્ટ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. EDએ ₹850 કરોડના ફાલ્કન કૌભાંડ સાથે જોડાયેલ એક ખાનગી જેટ જપ્ત કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે આ કાર્યવાહી કરી.
મળતી માહિતી મુજબ, ED ટીમે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હોકર 800A જેટ (N935H) જપ્ત કર્યું છે. આ જેટ કથિત રીતે ₹850 કરોડના ફાલ્કન કૌભાંડના મુખ્ય આરોપી અમરદીપ કુમારનું છે.
અમરદીપ કુમારે 22 જાન્યુઆરીએ દુબઈ ભાગી જવા માટે આ વિમાનનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં વિમાનની માલિકીની પુષ્ટિ થઈ અને એવું બહાર આવ્યું કે અમરદીપ કુમાર આ જેટના લાભાર્થી માલિક છે.
આ જેટ 2024 માં ‘પ્રેસ્ટિજ જેટ્સ ઇન્ક.’ દ્વારા $1.6 મિલિયન (₹14 કરોડ) માં ખરીદવામાં આવ્યું હતું. આ સોદામાં કૌભાંડના પૈસાનો ઉપયોગ થયો હતો. EDનો દાવો છે કે ફાલ્કન ગ્રુપની પોન્ઝી સ્કીમમાંથી મળેલા પૈસા આ જેટની ખરીદી માટે વાળવામાં આવ્યા હતા.

ક્રૂની પૂછપરછ કરવામાં આવી હતી
વિમાન શમશાબાદ પહોંચતાની સાથે જ EDએ તેને જપ્ત કરી લીધું. ક્રૂની પૂછપરછ કરવામાં આવી હતી અને નજીકના સહયોગીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
ફાલ્કન કૌભાંડ શું છે?
ફાલ્કન ગ્રુપે ઊંચા વળતરની લાલચ આપીને નકલી ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ રોકાણ યોજના ચલાવીને રોકાણકારો પાસેથી રૂ. 1,700 કરોડ એકત્ર કર્યા. ₹૮૫૦ કરોડ પરત કરવામાં આવ્યા, પરંતુ ૬,૯૭૯ રોકાણકારોને ચુકવણી મળી નહીં. કંપનીના મુખ્ય અધિકારીઓમાં ચેરમેન અને એમડી અમરદીપ કુમારનો સમાવેશ થાય છે, જે હજુ પણ ફરાર છે.
૧૫ ફેબ્રુઆરીના રોજ, સાયબરાબાદ પોલીસે ફાલ્કન કેપિટલ વેન્ચર્સના ઉપપ્રમુખ પવન કુમાર ઓડેલા અને ડિરેક્ટર કાવ્યા નલ્લુરીની ધરપકડ કરી હતી.

