સોમવારે બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં ગૂગલ મેપ્સથી મળેલા નિર્દેશોને કારણે થતા અકસ્માતોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેને ગંભીર સમસ્યા ગણાવતા, ભાજપના સાંસદે સરકારને તેના પર વિચાર કરવા અને નક્કર પગલાં લેવા જણાવ્યું.
શૂન્યકાળ દરમિયાન, ભાજપના સાંસદ અજિત માધવ રાવ ગોપાછડેએ આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અથવા અન્ય સંસ્થાઓની મદદથી ભારતીય સ્ટાર્ટઅપ્સ અથવા કંપનીઓને ગૂગલ મેપ્સનું સ્વદેશી મોડેલ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.

કેરળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા, ભાજપના સાંસદે કહ્યું કે ગૂગલ મેપ્સની અચોક્કસતાને કારણે અકસ્માતો ભારતમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓ એ વાતનું ઉદાહરણ છે કે ટેકનિકલ સાધનો પર વધુ પડતી નિર્ભરતા ક્યારેક ખતરનાક પરિણામો તરફ દોરી શકે છે. ગૂગલ મેપ્સની માહિતી હંમેશા સાચી હોતી નથી અને ક્યારેક તે ખોટી દિશા તરફ દોરી શકે છે અને ક્યારેક- ક્યારેક ગૂગલ મેપની માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આનાથી ભારતીય કંપનીઓને સ્થાનિક જરૂરિયાતો અને સંદર્ભને અનુરૂપ તેમના દેશ માટે ખાસ રચાયેલ નકશા અને ડેટાની ઍક્સેસ મળશે. તેમણે કહ્યું કે, ભારત સરકારે આ બધા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ જેથી ગૂગલ મેપ્સ જેવી સ્વદેશી વસ્તુઓ અપનાવી શકાય.

IT કાયદાની કલમ 43A નો ઉલ્લેખ કરતા, ભાજપના સભ્યએ કહ્યું કે તમામ સંસ્થાઓએ તેમના વપરાશકર્તાઓના ડેટાની સુરક્ષા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. આ કાયદામાં પીડિતને વળતરના રૂપમાં નુકસાન ચૂકવવા માટે જવાબદાર બનાવવાની પણ જોગવાઈ છે.

