ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે ભારતીય ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં તેને પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. હવે રોહિતની જગ્યાએ શુભમન ગિલ, ઋષભ પંત અને જસપ્રીત બુમરાહના નામ કેપ્ટન બનવાની રેસમાં સામેલ છે. પસંદગીકારો કેએલ રાહુલના નામ પર પણ વિચાર કરી શકે છે. આ ચારમાંથી કોઈપણ એકને કેપ્ટન બનાવી શકાય છે. હવે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન કેમ ન બનવો જોઈએ?
બુમરાહએ પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ: બુમરાહ
રવિ શાસ્ત્રીએ ‘ICC રિવ્યૂ’માં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, મારું માનવું છે કે જસપ્રીત કેપ્ટનશીપ માટે સ્પષ્ટ પસંદગી હોત. પણ હું નથી ઇચ્છતો કે જસપ્રીતને કેપ્ટન બનાવવામાં આવે. આનાથી તમે તેને બોલર તરીકે ગુમાવી શકો છો. મને લાગે છે કે તેણે (બુમરાહ) દરેક મેચ દરમિયાન પોતાના શરીર પર ધ્યાન આપવું જોઈએ. ગંભીર ઈજા બાદ તે વાપસી કરી રહ્યો છે. હવે ટેસ્ટમાં 10 ઓવર, 15 ઓવર બોલિંગનો ટેસ્ટ થશે. કેપ્ટન તરીકે તેના મન પર કોઈ વધારાનું દબાણ ન આવે તેવું તમે ઇચ્છશો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બુમરાહ ઘાયલ થયો હતો
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે. છેલ્લા કેટલાક સમયથી, જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની જરૂર પડશે. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચમાં ઘાયલ થયો હતો. આ પછી, તેને પીઠની ઇજામાંથી સાજા થવામાં 3 મહિના લાગ્યા. ઈજાને કારણે, તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ પણ બની શક્યો નહીં. આ પછી, તેણે IPLમાં વાપસી કરી અને 8 મેચમાં કુલ 13 વિકેટ લીધી.
ગિલ અને પંતને વધુ સારા ખેલાડીઓ બનવા કહ્યું
રવિ શાસ્ત્રીએ કહ્યું કે તમે કોઈને તૈયાર કરો છો અને હું કહીશ કે શુભમન ગિલ ખૂબ જ સારો વિકલ્પ લાગે છે. તેને એક તક આપો. તે ૨૫, ૨૬ વર્ષનો છે, તેને સમય આપો. ઋષભ પણ એક સારો વિકલ્પ છે. મને લાગે છે કે તે બંને સારા ખેલાડીઓ છે અને ઉંમરની કસોટી પર પણ ખરા ઉતરે છે. તેની પાસે એક દાયકાનો સમય છે. તેમને વસ્તુઓ શીખવા અને સમજવાની તક મળવી જોઈએ.

