વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા ‘નમો વડ વન’, આજી ડેમ પરિસરમાં વૃક્ષારોપણ ઝુંબેશ અને નમો વડ વનથી રામ વન સુધી પ્લાસ્ટિક સંગ્રહ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણીય પહેલમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રવીણબેન રંગાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાલા, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, પર્યાવરણવાદી ભાવેશભાઈ ત્રિવેદી, માહિતી નાયબ નિયામક પ્રશાંત ત્રિવેદી, એસીએફ એસટી કોટડિયા, કોલેજના વિદ્યાર્થીઓ અને સામાજિક વનીકરણ સ્ટાફે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જાગૃતિ વધારવા, વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિક મુક્ત સમાજ માટે સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવવાનો હતો.

ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “પર્યાવરણ દિવસ નિમિત્તે, દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ અને તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ.” તેમણે માહિતી આપી હતી કે સામાજિક વનીકરણ વિભાગે છેલ્લા દસ દિવસમાં રાજકોટ અને મોરબી જિલ્લાના 272 વિસ્તારોમાં પ્લાસ્ટિક સંગ્રહ ઝુંબેશ હાથ ધરી છે.
આગામી ચોમાસામાં આ જિલ્લાઓમાં કુલ ૧૩૮ હેક્ટર વિસ્તારમાં ૨.૧૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ સાથે, નાગરિકોને ટોકન દરે ૨૯.૮૦ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સામાન્ય જનતાને ‘ગ્રીન ડેવલપમેન્ટ’ અપનાવવા, વૃક્ષારોપણને સામાજિક જવાબદારી માનવા અને ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન’ને સફળ બનાવવામાં ભાગીદાર બનવા અપીલ કરી.
‘ગ્રીન ડેવલપમેન્ટ’ને સરકારે વિકાસના પાંચ મુખ્ય સ્તંભોમાંથી એક તરીકે સ્વીકાર્યું છે. વન મહોત્સવ અને શહેરી વન નિર્માણ જેવા કાર્યક્રમો દ્વારા જનભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત વિદ્યાર્થીઓ, નાગરિકો અને સંસ્થાઓએ પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક રીતે પોતાનું શ્રમદાન કર્યું અને ભવિષ્યમાં પણ આવો જ સહયોગ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી.

