શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુમાં કથિત ભેળસેળના કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને સોમવારે તિરુપતિ કોર્ટે 20 ફેબ્રુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સપ્ટેમ્બરમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં પાછલી વાય.એસ. જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાયડુના આ નિવેદનથી મોટો રાજકીય વિવાદ સર્જાયો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, CBIની આગેવાની હેઠળની SIT એ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટરો, વિપિન જૈન અને પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એઆર ડેરીના રાજુ રાજશેખરનની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોને સોમવારે તિરુપતિની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 20 ફેબ્રુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. એઆર ડેરીએ પ્રસાદના લાડુ બનાવવા માટે વપરાતું ઘી પૂરું પાડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના આદેશ પર રચાયેલી SITને ઘીના પુરવઠાના દરેક તબક્કે ગંભીર અનિયમિતતાઓ મળી આવી હતી જેના કારણે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યા હતા અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ પણ તૈયાર કર્યા હતા.

ટેન્ડર મેળવવામાં અનિયમિતતાઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT ને જાણવા મળ્યું કે વૈષ્ણવી ડેરીએ ખોટો દાવો કર્યો હતો કે તે ભોલે બાબા ડેરી પાસેથી ઘી મેળવે છે જ્યારે અધિકારીઓને જાણવા મળ્યું કે ડેરી પાસે મંદિર બોર્ડ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની માંગને પહોંચી વળવાની ક્ષમતા નથી.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, સીબીઆઈએ ગયા વર્ષે નવેમ્બરમાં તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની SIT ની રચના કરી હતી. આ ટીમમાં કેન્દ્રીય એજન્સીના બે અધિકારીઓ, આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના એક અધિકારીનો સમાવેશ થાય છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને વાયએસઆરસીપી રાજ્યસભા સભ્ય વાય વી સુબ્બા રેડ્ડી સહિત અન્ય લોકો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કર્યા પછી, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ આપેલા આદેશમાં કહ્યું હતું કે લાડુ બનાવવામાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ સીબીઆઈ ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે.

