ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડમાં 6 થી 10 ડિસેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ મેચમાં જસપ્રિત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત હાંસલ કરી હતી, પરંતુ હવે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન બદલાતી જોવા મળી શકે છે. રોહિત શર્મા પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. રોહિત એડિલેડમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. શુભમન ગિલ પણ બીજી ટેસ્ટ પહેલા મેદાનમાં પરત ફર્યો છે. પર્થ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.
શુભમન ગિલ બીજી ટેસ્ટમાં રમી શકે છે
વાસ્તવમાં, પ્રેક્ટિસ મેચ દરમિયાન શુંભન ગિલના અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને પર્થ ટેસ્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું. આ મેચમાં ગિલના સ્થાને દેવદત્ત પડિકલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગિલ વિશે એવા અહેવાલો હતા કે તે પ્રથમ બે ટેસ્ટ મેચોમાંથી બહાર રહી શકે છે, જ્યારે હવે ગિલ નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે.
આજે ગિલે ઓવલમાં પ્રેક્ટિસ કરી હતી, ત્યાર બાદ આશા છે કે આ ખેલાડી હવે PM XI સાથે પ્રેક્ટિસ મેચમાં રમતા જોવા મળી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો ગિલ પ્રેક્ટિસ મેચ રમે છે તો તે એડિલેડ ટેસ્ટ મેચમાં રમતા જોવા મળી શકે છે.
ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા હવે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં બંને ટીમોની પિચ પર ગુલાબી બોલથી રમાશે. આ મેચ ડે-નાઈટની રહેશે.