2024નું વર્ષ પૂરું થયું છે, પરંતુ વર્ષના છેલ્લા મહિનામાં સમગ્ર વિશ્વને એક અવિસ્મરણીય દુ:ખ આપવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા આખી દુનિયાએ એક પ્લેન ક્રેશ જોયો હતો જેમાં 179 લોકો જીવતા દાઝી ગયા હતા. દક્ષિણ કોરિયામાં થયેલો આ અકસ્માત 1997 પછી દેશનો સૌથી ભયાનક વિમાન અકસ્માત હતો.
2024ના 12 મહિનામાં સમગ્ર વિશ્વમાં 12 પ્લેન ક્રેશ થયા છે. આ અકસ્માતોમાં 434 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું અકસ્માતમાં મોત થયું હતું. માલાવીના ઉપરાષ્ટ્રપતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આવો એક નજર કરીએ વર્ષ 2024માં થયેલા વિમાન અકસ્માતો પર…
1. જાપાનમાં 2 જાન્યુઆરી, 2024 ના રોજ ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું હતું. જાપાન એરલાઈન્સ (JAL)નું પ્લેન નાના પ્લેન સાથે અથડાયું હતું. વિમાન અથડાતાની સાથે જ આગ લાગી ગઈ હતી, પરંતુ વિમાનમાં સવાર તમામ 379 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ જ અકસ્માતમાં નાના પ્લેનમાં સવાર 6માંથી 5 લોકોના મોત થયા હતા.
2. કેનેડામાં 23 જાન્યુઆરીના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત કેનેડામાં ફોર્ટ સ્મિથ પાસે થયો હતો.

3. 24 જાન્યુઆરીએ રશિયામાં પ્લેન એક્સિડન્ટ થયો હતો. બેલગોરોડમાં એક રશિયન સૈન્ય વિમાન ક્રેશ થયું, જેમાં 74 લોકોના મોત થયા. વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ અને 9 રશિયન ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટના અંગે રશિયન સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર આરોપ લગાવ્યો હતો કે વિમાનને નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે યુક્રેને તેને રશિયાનું કાવતરું ગણાવ્યું હતું.
4. 12 માર્ચે પણ રશિયામાં વિમાન દુર્ઘટના થઈ હતી. ઇવાનવો ઓબ્લાસ્ટમાં ઇલ્યુશિન IL-76 કાર્ગો પ્લેન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 7 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સહિત 15 લોકોના મોત થયા હતા. પ્લેનના એક એન્જિનમાં આગ લાગવાને કારણે પ્લેન ક્રેશ થયું હતું.
5. 19 મે 2024ના રોજ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ અને ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન સહિત નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગાઢ ધુમ્મસમાં પહાડી વિસ્તારને પાર કરતી વખતે નિયંત્રણ ગુમાવવાને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માત ઈરાનની રાજધાની તેહરાનથી 600 કિલોમીટર દૂર અઝરબૈજાનના જોલ્ફા શહેર પાસે થયો હતો.
6. 10 જૂન 2024ના રોજ આફ્રિકન દેશ માલાવીમાં એક પ્લેન ક્રેશ થયું હતું. માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું પ્લેન 10 જૂનના રોજ અચાનક ગાયબ થઈ ગયું હતું અને ત્યારબાદ આ પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ઉપરાષ્ટ્રપતિ સહિત નવ લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો.


7. 24 જુલાઈ, 2024ના રોજ નેપાળના કાઠમંડુમાં પ્લેન અકસ્માત થયો હતો. શોરિયા એરલાઈન્સનું પ્લેન પોખરા જતી વખતે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. 9N-AME વિમાન દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 લોકોમાંથી 17 એરલાઇન્સના સ્ટાફ મેમ્બર હતા. આ વિમાન 21 વર્ષ જૂનું હતું, જેને સમારકામ બાદ પરીક્ષણ માટે ઉડાડવામાં આવ્યું હતું.
8. 9 ઓગસ્ટ, 2024ના રોજ, Voipas ફ્લાઇટ 2283 બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના વિન્હેડોમાં ક્રેશ થઈ. પ્લેનના એન્જિનમાં બરફ જમા થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બ્રાઝિલમાં 2007 પછીનો સૌથી ભયંકર અકસ્માત હતો.

9. 23 ઓગસ્ટ, 2024 ના રોજ, થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક વિમાન દુર્ઘટના થઈ. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 2 થાઈ પાઈલટ, 2 થાઈ નાગરિક અને 5 ચીની નાગરિકો સામેલ છે.
10. 25 ડિસેમ્બર 2024ના રોજ, રાજધાની બાકુથી રશિયાના ગ્રોઝની જતું અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન અઝરબૈજાનમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટના કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક ખાલી મેદાનમાં થઈ હતી. આ દુર્ઘટનામાં 62 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સહિત પ્લેનમાં સવાર 67 લોકોમાંથી 38ના મોત થયા હતા. વિમાનના બે ટુકડા થઈ ગયા અને આગ લાગી. રશિયા પર વિમાનને નિશાન બનાવવાનો આરોપ હતો. આથી રાષ્ટ્રપતિ પુતિને પણ અકસ્માત બદલ માફી માંગી હતી.

11. 29 ડિસેમ્બર 2024ના રોજ દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 181 લોકોમાંથી 179ના મોત થયા હતા. બે લોકો બચી ગયા, પરંતુ ખરાબ રીતે દાઝી ગયા. દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર લેન્ડિંગ ગિયર ફેલ થવાને કારણે જેજુ એરનું પ્લેન ક્રેશ થયું હતું અને તેમાં આગ લાગી હતી. પાયલોટે ઇમરજન્સીમાં પ્લેનનું બેલી લેન્ડિંગ કરાવ્યું હતું, પરંતુ તે સુરક્ષિત લેન્ડિંગ કરી શક્યો નહોતો.
12. કેનેડામાં જ 29 ડિસેમ્બરે એર કેનેડાની ફ્લાઈટ આગનો ભોગ બની હતી. નોવા સ્કોટીયા પ્રાંતના હેલિફેક્સ એરપોર્ટ પર ઉતરતી વખતે એરક્રાફ્ટના ગિયર્સ કામ કરતા નહોતા, જેના કારણે વિમાનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 73 લોકોનો આબાદ બચાવ થયો હતો.
13. ડિસેમ્બર 2024માં બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 10 લોકોના મોત થયા હતા. જમીન પર ઉભેલા 17 લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી ઘાયલ થયા હતા.

