એડિલેડમાં સિક્કાની ટૉસ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં જે બદલાવની અપેક્ષા હતી તે બરાબર જોવા મળી હતી. રોહિત, ગિલ અને અશ્વિન ભારતીય ટીમમાં પરત ફર્યા છે. જ્યારે સુંદર, જુરેલ અને પડિકલને બહાર થવું પડ્યું હતું. યજમાન ઓસ્ટ્રેલિયાએ મેચના એક દિવસ પહેલા તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. પિંક બોલ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડના સ્થાને સ્કોટ બોલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 5 ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. આ પહેલા ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.

ટીમ ઈન્ડિયા 3 ફેરફારો સાથે પ્રવેશી
પિંક બોલ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર છે, જે પહેલાથી જ નક્કી હતા. ટીમમાં પહેલા બે ફેરફાર કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી છે. રોહિત તેના બીજા બાળકના જન્મને કારણે પર્થમાં પ્રથમ ટેસ્ટમાંથી બહાર હતો જ્યારે ગિલ આંગળીમાં ઈજાના કારણે પર્થમાં પ્રથમ ટેસ્ટમાંથી બહાર હતો. ત્રીજો ફેરફાર ભારતીય ટીમના સ્પિન વિભાગમાં થયો છે. જ્યાં અશ્વિને વોશિંગ્ટન સુંદરનું સ્થાન લીધું છે.
એટલા માટે અશ્વિનને એડિલેડ ટેસ્ટમાં તક મળે છે
અશ્વિન ટીમમાં પાછો ફર્યો કારણ કે તેણે એડિલેડમાં રમાયેલી છેલ્લી પિંક બોલ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી ગુલાબી બોલ ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી. જો આપણે એડિલેડમાં એકંદરે જોઈએ તો અશ્નીને 3 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 16 વિકેટ લીધી છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટે વોશિંગ્ટન સુંદર કરતાં અશ્વિનને પ્રાધાન્ય આપ્યું છે.

પિન્ક બોલ ટેસ્ટ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન), આર. અશ્વિન, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, સ્કોટ બોલેન્ડ, પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન


