હાર્દિક પંડ્યા તાજેતરમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટી-20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. જોકે આ સિરીઝમાં હાર્દિકનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આ મજબૂત ઓલરાઉન્ડર હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે તૈયાર છે પરંતુ હાર્દિક લાલ બોલની ક્રિકેટમાં નહીં પરંતુ માત્ર સફેદ બોલની ક્રિકેટમાં જ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. વાસ્તવમાં આ સવાલ ઘણા સમયથી ઉઠી રહ્યો હતો કે હાર્દિક શા માટે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતો?
હાર્દિક સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળશે
ખરેખર, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 23 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હાર્દિક પંડ્યા પણ લાંબા સમય બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. હાર્દિકે 8 વર્ષ બાદ બરોડાની ટીમમાં એન્ટ્રી કરી છે. હાર્દિકના આગમનથી હવે બરોડાની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.

ખાસ વાત એ છે કે આ ટીમની કમાન હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાના હાથમાં છે. હવે ફરી એકવાર આ બંને ભાઈઓ ક્રિકેટના મેદાન પર એક જ ટીમ તરફથી રમતા જોવા મળશે. હાર્દિક છેલ્લે 2016માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો.
બરોડાનો સમાવેશ ગ્રુપ બીમાં
બરોડાની ટીમ ગત સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતવામાં ચૂકી ગઈ હતી. ફાઇનલમાં હાર સાથે આ ટીમનું ટાઇટલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઇ ગયું હતું. આ વખતે આ ટુર્નામેન્ટમાં બરોડાની ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. તેને બરોડા ઉપરાંત ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, કર્ણાટક, સિક્કિમ, ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે આ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. કૃણાલ પંડ્યાની કપ્તાનીમાં બરોડાની ટીમ આ ટૂર્નામેન્ટમાં ગુજરાત સાથે તેની પ્રથમ મેચ રમતી જોવા મળશે.

