શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ બેટ્સમેન અને કેપ્ટન સનથ જયસૂર્યાને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. જયસૂર્યા છેલ્લા કેટલાક સમયથી ટીમ સાથે છે. તેઓ વચગાળાના કોચ તરીકે ટીમ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમની દેખરેખ હેઠળ ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને શ્રીલંકાના બોર્ડે તેમને પૂર્ણ સમયના મુખ્ય કોચ બનાવ્યા. શ્રીલંકન ક્રિકેટે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ માહિતી શેર કરી છે.
સનથ જયસૂર્યા શ્રીલંકન ટીમના ફુલ ટાઈમ હેડ કોચ બન્યા છે
વાસ્તવમાં, શ્રીલંકન ક્રિકેટે તેના ટ્વિટર પર લખ્યું છે કે સનથ જયસૂર્યાને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે તેની જાહેરાત કરતા ઘણો આનંદ થાય છે. શ્રીલંકન ક્રિકેટની કાર્યકારી સમિતિએ ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની તાજેતરની શ્રેણીમાં સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. આ તમામ શ્રેણીમાં જયસૂર્યા વચગાળાના મુખ્ય કોચ હતા. હવે જયસૂર્યા 1 ઓક્ટોબર 2024થી 31 માર્ચ 2026 સુધી આ કાર્યકાળ સંભાળશે.
જયસૂર્યાની દેખરેખમાં શ્રીલંકાની ટીમે ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું હતું. આ પછી શ્રીલંકાની ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો, જ્યાં તેણે ઈતિહાસ રચ્યો અને ઓવલમાં ત્રીજી ટેસ્ટ જીતી. ત્યારબાદ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને ખરાબ રીતે હરાવ્યું અને બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી. કોચ તરીકે જયસૂર્યાની પ્રથમ જવાબદારી વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 અને ODI શ્રેણી હશે, જે 13 ઓક્ટોબરથી શરૂ થશે.

શું જયસૂર્યા બીજી વખત શ્રીલંકન ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવશે?
વર્ષ 2014માં શ્રીલંકાની ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતને હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 130 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમે સંગાકારાની અડધી સદીની મદદથી 17.5 ઓવરમાં આસાનીથી મેચ જીતી લીધી હતી અને કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. 2014 પછી શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. હવે જયસૂર્યા મુખ્ય કોચ બન્યા બાદ શ્રીલંકાની ટીમ બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.

