ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 ખેલાડીઓની પસંદગી કરી છે. રોહિત શર્માએ ટેસ્ટને અલવિદા કહ્યા બાદ, ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે જ્યારે ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમના ઉપ-કેપ્ટન હતા.
શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવતાની સાથે જ તેમના નામે એક અનોખી સિદ્ધિ નોંધાઈ ગઈ. ગિલ હવે ભારતના ટેસ્ટ ઇતિહાસમાં પાંચમા સૌથી યુવા કેપ્ટન બની ગયા છે. ગિલે 25 વર્ષ અને 258 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. તેમના પહેલા આ યાદીમાં ચાર દિગ્ગજ હતા, જેમાં મન્સૂર અલી ખાન પટૌડી, સચિન તેંડુલકર, કપિલ દેવ, રવિ શાસ્ત્રીના નામનો સમાવેશ થતો હતો. હવે શુભમન ગિલ આ યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે.
ભારતના સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન
- મન્સૂર અલી ખાન પટૌડી – 21 વર્ષ, 77 દિવસ
- સચિન તેંડુલકર – ૨૩ વર્ષ, ૧૬૯ દિવસ
- કપિલ દેવ – ૨૪ વર્ષ, ૪૮ દિવસ
- રવિ શાસ્ત્રી – ૨૫ વર્ષ, ૨૨૯ દિવસ
- શુભમન ગિલ – ૨૫ વર્ષ ૨૫૮ દિવસ
પાંચમા સૌથી યુવા ભારતીય ટેસ્ટ કેપ્ટન બનવા ઉપરાંત, ગિલે પોતાના નામે વધુ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. ગિલ T20I અને ટેસ્ટ બંને ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરનાર 8મો કેપ્ટન બનશે. તેમના પહેલા, ધોની અને કોહલી જેવા 7 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોએ આ સિદ્ધિ હાંસલ કરી છે.

ટી20 અને ટેસ્ટ બંનેમાં ભારતનું નેતૃત્વ કરનારા કેપ્ટનો
- વીરેન્દ્ર સેહવાગ
- મહેન્દ્ર સિંહ ધોની
- વિરાટ કોહલી
- અજિંક્ય રહાણે
- રોહિત શર્મા
- કેએલ રાહુલ
- જસપ્રીત બુમરાહ
ગિલના ખભા પર મોટી જવાબદારી
IPL 2025 માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરતી વખતે તેમણે જે શાણપણ અને સમજણ બતાવી હતી તેણે પસંદગીકારોનો વિશ્વાસ જીતી લીધો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે યુવા ભારતીય કેપ્ટન ઇંગ્લેન્ડમાં મુશ્કેલ પડકારોને કેવી રીતે પાર કરે છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટેસ્ટ ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

