ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ ઉચ્ચ સ્તરે છે. બંને દેશો એકબીજા સામે લશ્કરી કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન, વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. તેમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર છે.
પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાની ગતિવિધિઓ તણાવ વધારી રહી છે. તેમણે વધુમાં કહ્યું, “પાકિસ્તાન આપણને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જવાબમાં ભારતે રક્ષણાત્મક વલણ અપનાવ્યું. આજે સવારે, પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે ઉશ્કેરણીજનક અને તણાવ વધારતી કાર્યવાહી કરી. આજે પાકિસ્તાને રાજૌરી શહેરમાં ગોળીબાર કર્યો, જેમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપા માર્યા ગયા. આનાથી રાજ્યમાં નાગરિક જાનહાનિ અને નુકસાનની સંખ્યામાં વધારો થયો.”

કર્નલ કુરેશીએ પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો
પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, “પાકિસ્તાની સેનાએ પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે, જેમાં તેણે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. નિયંત્રણ રેખા પર પણ ભારે ગોળીબાર થયો હતો. શ્રીનગરથી નલિયા સુધી 26 થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભૂજમાં થોડું નુકસાન થયું છે. આ ઉપરાંત, પાકિસ્તાને હાઇ-સ્પીડ મિસાઇલોથી પંજાબના એરબેઝને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.”
પાકિસ્તાનની આ નાપાક હરકતો બાદ, ભારતે તરત જ જવાબી હુમલાની કાર્યવાહી કરી. આ અંતર્ગત, પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર હથિયારો અને લડાકુ વિમાનોથી હુમલો કરવામાં આવ્યો અને સિયાલકોટ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું. પ્રેસ કોન્ફરન્સમાં આગળ કર્નલ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને પોતાની પ્રવૃત્તિઓ છુપાવવા માટે લાહોરથી ઉડતા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો.
આ ઉપરાંત, કોન્ફરન્સમાં, ભારતે આદમપુર, સુરતપુર, S 400, નાગરોટા દારૂગોળા કેન્દ્ર, બ્રહ્મોસ સુવિધાના વિનાશ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ખોટા દાવાઓને ફગાવી દીધા છે. ભારતે ભારતીય વાયુસેનાના મથકોની તસવીરો પણ બતાવી અને કહ્યું કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ નુકસાન થયું નથી.

