કલકત્તા હાઈકોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસા અંગે રાજ્ય સરકાર પાસેથી માહિતી માંગી હતી. જેના પગલે પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ સમક્ષ એક અહેવાલ રજૂ કર્યો હતો અને દાવો કર્યો હતો કે હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે.
ન્યાયાધીશ સૌમેન સેન અને રાજા બાસુ ચૌધરીની ડિવિઝન બેન્ચ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમ બહુમતીવાળા જિલ્લામાં કોમી રમખાણો દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયા હતા. અરજીમાં તેમણે હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાની વિનંતી કરી હતી.

રાજ્ય સરકારે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે જિલ્લામાં હિંસા અટકાવવા માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલે જિલ્લાની જમીની પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મુર્શિદાબાદમાં CAPF તૈનાતીને થોડા વધુ સમય માટે લંબાવવાની કોર્ટને વિનંતી કરી.
હાલમાં, મુર્શિદાબાદના રમખાણોગ્રસ્ત સુતી, શમશેરગંજ-ધુલિયાં વિસ્તારોમાં કેન્દ્રીય દળોની લગભગ 17 કંપનીઓ તૈનાત છે. અન્ય એક અરજદારે રાજ્ય સરકારને હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લોકોને તેમના ઘરે પાછા ફરવા માટે પગલાં લેવાની વિનંતી કરી.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કેટલાક અસરગ્રસ્ત પરિવારો પહેલાથી જ તેમના ઘરે પાછા ફર્યા છે. અરજદારે દાવો કર્યો હતો કે વક્ફ (સુધારા) કાયદા વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસાથી બચીને ઘણા લોકોએ માલદા જિલ્લાની એક શાળામાં રાહત શિબિરમાં આશરો લીધો છે.

હિંસામાં ત્રણના મોત
વક્ફ કાયદાના વિરોધમાં ૧૧-૧૨ એપ્રિલના રોજ મુર્શિદાબાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા સુતી, ધુલિયાં અને જાંગીપુર વિસ્તારોમાં થઈ હતી. આ હિંસામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ધુલિયાણના મંદિરપરા વિસ્તારમાં ઘણી મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. હિંસાને કારણે મુર્શિદાબાદમાં મોટા પાયે વિસ્થાપન થયું. સેંકડો મહિલાઓ અને બાળકો ભાગીરથી નદી પાર કરીને પડોશી માલદા જિલ્લામાં પહોંચ્યા અને હવે ત્યાં કેમ્પમાં રહી રહ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મુર્શિદાબાદથી આવી રહેલા સમાચાર અંગે આયોગ ખૂબ જ ચિંતિત છે. મહિલાઓને માત્ર હિંસાનો સામનો કરવો પડ્યો નહીં, પરંતુ પોતાનું ગૌરવ અને ઘર પણ છોડવું પડ્યું.

