શિવસેનાના નેતા સંજય નિરૂપમે સોમવારે માંગ કરી હતી કે ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે, નહીં તો પાર્ટી કાર્યકરોના ગુસ્સાનો સામનો કરે. નિરૂપમે તેમને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે શિવસૈનિકો ઉશ્કેરાયેલા છે અને શિંદેનું અપમાન કરવા બદલ કામરા પર બદલો લેવા માંગે છે.
તેમણે કહ્યું કે જો કામરાને વાણી સ્વાતંત્ર્ય છે અને તેઓ બંધારણીય જોગવાઈનો “દુરુપયોગ” કરી શકે છે, તો શિવસૈનિકોને જવાબ આપવાની સ્વતંત્રતા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસે સોમવારે કામરા વિરુદ્ધ નાયબ મુખ્યમંત્રી શિંદેના કાર્યક્રમ દરમિયાન કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધી હતી. તેમણે કહ્યું કે પોલીસે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત ‘હેબિટેટ સ્ટુડિયો’માં તોડફોડ કરવાના આરોપમાં લગભગ 40 શિવસેના કાર્યકરો સામે કેસ નોંધ્યો છે. અહીં કામરાના શોમાં શિંદે વિશે ‘દેશદ્રોહી’ ટિપ્પણી કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસે સોમવારે કામરા વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. તેમની સામે 353 (1) B, 356 (2) સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અજિત પવારે કહ્યું કે કોઈએ પણ નિયમો અને કાયદાની બહાર ન જવું જોઈએ. દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પણ તેની એક નિશ્ચિત મર્યાદા છે. તમને જણાવી દઈએ કે કુણાલ કામરાનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. VHP અને બજરંગ દળના વિરોધને પગલે તેમણે ગુરુગ્રામમાં પોતાનો શો રદ કરવો પડ્યો.
૨૦૨૦ માં, તેમનો પત્રકાર અર્ણબ ગોસ્વામી સાથે ઝઘડો થયો. બંનેની મુલાકાત ઇન્ડિગોની ફ્લાઇટમાં થઈ હતી. કામરાએ ગોસ્વામીને તીખા પ્રશ્નો પૂછ્યા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ પછી, ઇન્ડિગોએ તેના પર 6 મહિનાનો પ્રતિબંધ મૂક્યો. એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ગોએરે પણ તેમની સામે કાર્યવાહી કરી. 2020 માં, કામરાએ પીએમ મોદીનો નકલી વીડિયો શેર કરીને વિવાદ ઉભો કર્યો હતો.

